સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પારદર્શિતાની માગણી સાથે કૉન્ગ્રેસની હાઈ કોર્ટમાં અરજી, અદાલતે ઇલેક્શન કમિશન પાસેથી જવાબ માગ્યો
ફાઇલ તસવીર
મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ગઈ કાલે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેકશન કમિશન (SEC)ને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) મશીનનો ઉપયોગ ન કરવાના નિર્ણયને પડકારતી અરજી પર નોટિસ ફટકારી હતી. બેન્ચે ચૂંટણીપંચ પાસેથી આગામી અઠવાડિયા સુધીમાં જવાબ માગ્યો છે.
VVPAT મશીન ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સાથે જોડાયેલું હોય છે, પણ સ્વતંત્ર રીતે કામ કરતું હોય છે. આ મશીનને લીધે મતદારોએ પોતે જેને વોટ આપ્યો હોય છે, વોટ તેના જ નામ પર પડ્યો છે કે નહીં એની ખાતરી કરી શકે છે.
ADVERTISEMENT
કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જણાવ્યું હતું કે ‘પારદર્શક ચૂંટણી-પ્રક્રિયા માટે VVPAT જરૂરી છે. જો ચૂંટણીપંચ VVPATનો ઉપયોગ નહીં કરે તો બૅલટ પેપરનો ઉપયોગ થવો જોઈએ. ચૂંટણીપંચને કોઈ પણ ચૂંટણીમાં VVPAT વિના EVMનો ઉપયોગ કરવાથી રોકવી જોઈએ. એવો કોઈ નિયમ નથી કે ચૂંટણી EVM દ્વારા જ કરાવવામાં આવે. જો ચૂંટણીપંચ VVPAT મશીનોની અછતનો સામનો કરી રહ્યું હોય તો બૅલટ પેપરનો ઉપયોગ કરવો જોઈએ.’


