BSFનો જવાન મુરલી નાઈક જમ્મુમાં ફરજ પર હતો
શહીદ જવાન મુરલી તેનાં મમ્મી-પપ્પા રામ નાઈક અને જ્યોતિ નાઈક સાથે
ઘાટકોપર-ઈસ્ટના કામરાજનગરમાં રોજ મજૂરી કરીને કમાઈને જીવનનિર્વાહ ચલાવતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર રામ નાઈકનો ૨૪ વર્ષનો એકનો એક પુત્ર મુરલી નાઈક ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગઈ કાલે વહેલી સવારે ત્રણ વાગ્યે જમ્મુ બૉર્ડર પર શહીદ થયો હતો. મુરલી નાઈક શહીદ થયાના સમાચારથી નાઈક પરિવાર, કામરાજનગરના રહેવાસીઓ અને ઘાટકોપરવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
મુરલીનાં માતા-પિતા રામ નાઈક અને જ્યોતિ નાઈક છેલ્લાં ઘણાં વર્ષોથી કામરાજનગરમાં રહે છે. રામ નાઈકની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમનો પુત્ર મુરલી આંધ્ર પ્રદેશના નાનકડા ગામ વલ્કી તાંડા, ગોરંટાલા મંડળમાં તેના ૬૨ વર્ષના નાના પી. રંગા નાઈક અને ૫૪ વર્ષનાં નાની પી. શાંતિબાઈ નાઈક સાથે રહેતો હતો. તેણે દસમા ધોરણ સુધી ગામમાં જ અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી ગામથી દૂર આવેલી કૉલેજમાંથી તે ગ્રૅજ્યુએટ થયો હતો. મુરલી ફક્ત વેકેશનમાં માતા-પિતાને મળવા ઘાટકોપર આવતો હતો. કૉલેજમાં ભણતાં-ભણતાં તેનામાં દેશભક્તિના ભાવ પ્રગટ થયા હતા. તેણે નિર્ણય કર્યો હતો કે હું સંઘર્ષ કરીને પણ ઇન્ડિયન આર્મીમાં જોડાઈશ.
ADVERTISEMENT
આ બાબતે માહિતી આપતાં અત્યારે આંધ્ર પ્રદેશ યાત્રાપ્રવાસમાં ગયેલા રામ નાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુરલી નાઈકે ફક્ત આર્મીમાં જોડાવાનો નિર્ણય જ નહોતો લીધો, એ માટે ખૂબ સંઘર્ષ કરીને તે ૨૦૨૨માં ભારતીય સેનાની બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)માં જોડાવામાં સફળ થયો હતો. તેણે નાશિકના દેવલાલીમાં ટ્રેઇનિંગ લીધી હતી. ત્યાર પછી તેની આસામમાં પોસ્ટિંગ થઈ હતી અને ત્યાર બાદ પંજાબની BSFમાં હોવાથી જમ્મુ-કાશ્મીરના ઉરીમાં તેની પોસ્ટિંગ થઈ હતી. ગઈ કાલે વહેલી સવારે પાકિસ્તાન સાથેની અથડામણમાં મુરલી શહીદ થયો હતો.’
તે શહીદ થયો હોવાના સમાચાર અમને ફોન પર મળ્યા હતા એવું જણાવતાં રામ નાઈકે કહ્યું હતું કે ‘તેના કમાન્ડરનો ફોન તેની મમ્મીએ ઉપાડ્યો હતો જેમાં તેને મુરલી શહીદ થયાના સમાચાર મળતાં તે જમીન પર ચક્કર ખાઈને પડી હતી. પછી કમાન્ડરે મારી સાથે વાતચીત કરીને મને માહિતી આપી હતી. આર્મીના રૂલ્સ પ્રમાણે મુરલીની ડેડ-બૉડી કાશ્મીરની એક આર્મી હૉસ્પિટલમાં છે જ્યાંથી એ દિલ્હી લઈ જવાશે. ત્યાર પછી અમને સોંપવામાં આવશે. તેની ડેડ-બૉડી અમને ક્યારે મળશે એ બાબતની હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી. મુરલી શહીદ થવાના સમાચારથી અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેનાં નાના-નાની અને મમ્મીની હાલત ગંભીર છે. અમે અમારા એકના એક દીકરાએ દેશની રક્ષા માટે આપેલા જીવ બદલ ગૌરવ અનુભવીએ છીએ.’

