કિશ્તવાડમાં હજી કામગીરી પૂરી નથી થઈ ત્યાં કઠુઆમાં બચાવટુકડીઓ દોડતી થઈ, સૈન્ય અને અન્ય દળો પણ રાહતકાર્યમાં જોડાયાં
જમ્મુના કઠુઆમાં વધુ એક વાદળ ફાટ્યું
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાથી ભારે વરસાદ અને એને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કઠુઆ અને કિશ્તવાડમાં બચાવ અને રાહતકામગીરી ચાલુ છે.
જમ્મુના ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે ‘કઠુઆમાં અચાનક પૂર અને ભૂસ્ખલનથી અનેક વિસ્તારોમાં સંપર્ક તૂટી ગયા બાદ કામગીરી ચાલુ છે. ગઈ કાલ રાતથી કઠુઆમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવકામગીરી ચાલુ છે. કેટલાક લોકોને હેલિકૉપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે ત્યાં સંપર્ક તૂટી ગયો છે. ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
શનિવાર અને રવિવારની મધરાતે કઠુઆમાં વાદળ ફાટવાથી રેલવે-ટ્રૅક, નૅશનલ હાઇવે અને સ્થાનિક પોલીસ-સ્ટેશનને નુકસાન થયું હતું. જોધ ગામમાં અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે છ લોકો ફસાયા હતા અને અનેક કનેક્ટિંગ રોડ ધોવાઈ ગયા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કઠુઆના ડેપ્યુટી કમિશનર રાજેશ શર્માએ પુષ્ટિ આપી છે કે બચાવટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને જોધ ગામમાં કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના ગ્રાઉન્ડ ઑપરેશનનું નેતૃત્વ કરી રહી છે જેને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF), બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO), પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રનો ટેકો છે.

