વાદળ ફાટ્યું એને પગલે ત્રણ જણનાં મોત, અનેક વાહનો અને ઘરો દટાઈ ગયાં
મંડીમાં વાદળ ફાટવાને કારણે એક જ પરિવારના ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, અનેક વાહનો અને ઘરો કાદવમાં દટાઈ ગયાં
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાને કારણે એક જ પરિવારના ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, અનેક વાહનો અને ઘરો કાદવમાં દટાઈ ગયાં હતાં. એક મહિના પહેલાં પણ મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મંડી બેઠક પરથી સંસદસભ્ય બનેલી અભિનેત્રી કંગના રનૌતે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મંડી શહેરમાં થયેલા વરસાદે ભારે તબાહી અને પીડા પહોંચાડી છે. આપણે બે અમૂલ્ય જીવ ગુમાવ્યા છે, કેટલાક નાગરિકો હજી પણ ગુમ થયેલા છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘણાં વાહનો કાટમાળમાં દટાઈ ગયાં છે, ઘરોને ભારે નુકસાન થયું છે. આ હૃદયવિદારક પરિસ્થિતિઓએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે. હું પીડિત પરિવારો સાથે સંપૂર્ણ સંવેદના અને મનથી ઊભી છું. પ્રશાસન સાથે મારી સતત વાતચીત થઈ રહી છે અને રાહત તથા બચાવકાર્યો પ્રાથમિકતાએ ચાલી રહ્યાં છે. સૌને અપીલ છે કે નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાંઓના કિનારાના વિસ્તારોથી દૂર રહો. સુરક્ષિત સ્થળોએ આશરો લો. આ મુશ્કેલ ઘડીમાં આપણે બધા મળીને એકબીજાની મદદ કરીએ. ભગવાન સૌની રક્ષા કરે.’

