ઉત્તરાખંડના ધરાલીની કાળજું કંપાવતી હૃદયદ્રાવક ઘટનામાં સાંગોપાંગ બચી ગયેલા ગુજરાતના યાત્રી ભાવનગરના અરવિંદ બરોલિયાએ વર્ણવી આપવીતી
ઉત્તરકાશીમાં ગુજરાતના યાત્રીઓ.
ઉત્તરાખંડના ધરાલીની કાળજું કંપાવતી હૃદયદ્રાવક ઘટનામાં સાંગોપાંગ બચી ગયેલા ગુજરાતના યાત્રી ભાવનગરના અરવિંદ બરોલિયાએ વર્ણવી આપવીતી : જ્યાં ઘટના બની ત્યાંથી માંડ ૫૦થી ૬૦ મીટર દૂર હતા ભાવનગર, અમદાવાદ અને સુરતના યાત્રીઓ : ભયાનક વેગ સાથે આવેલા પૂર સાથેના વાવાઝોડાએ બધું જ તહસનહસ કરી નાખ્યું, પણ આ યાત્રીઓને કુદરતે બચાવી લીધા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ખાતે ૩ દિવસ પહેલાં ખીર ગંગા નદી પર વાદળ ફાટવાને કારણે પૂર આવતાં અને ભયાનક વેગ સાથે આવેલા વાવાઝોડાએ બધું જ તહસનહસ કરી નાખ્યું ત્યારે ઘટનાસ્થળથી માંડ ૫૦થી ૬૦ મીટર દૂર રહેલા ગુજરાતી યાત્રીઓનો જાણે કે ચમત્કારિક બચાવ થયો હતો. ધરાલીની કાળજું કંપાવતી હૃદયદ્રાવક ઘટનામાં સાંગોપાંગ બચી ગયેલા ગુજરાતી યાત્રીઓમાંના ભાવનગરના અરવિંદ બરોલિયાએ ‘મિડ-ડે’ સાથે ઉત્તરકાશીથી વાત કરતાં કહ્યું હતું કે ‘નજર સમક્ષ ધસમસતો પહાડનો ભાગ આવતો જોયો અને ગભરામણ થઈ ગઈ હતી. જોકે કુદરતનો આભાર કે અમે બચી ગયા, નહીંતર આ તો એક-બે મિનિટનો મામલો હતો.’
ADVERTISEMENT
ભાવનગર, અમદાવાદ અને સુરતથી ૧૦૨ વ્યક્તિઓના ગ્રુપે બદરીનાથમાં સપ્તાહ યોજી હતી અને ૧૦૨ યાત્રીઓ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. આ યાત્રીઓ ઉત્તરકાશી જવા નીકળ્યા ત્યારે ધરાલીમાં કુદરતી કેર વર્તાયો હતો. આ ભયાવહ ઘટનાને નજરોનજર નિહાળનારા અરવિંદ બરોલિયાએ કહ્યું હતું કે ‘અમે ગંગોત્રીથી ઉત્તરકાશી જવા નીકળ્યા હતા. ધરોલી પહોંચ્યા જ્યાં આ ઘટના બની ત્યાંથી ૫૦થી ૬૦ મીટર જ દૂર હતા અને અમારી બસની આગળ એક બોલેરો ગાડીવાળાએ તેની ગાડી રિવર્સમાં લીધી. અમારી બસના ડ્રાઇવરે તેને પૂછતાં ગાડીવાળાએ હાથનો ઇશારો કર્યો. ત્યાં નજર કરતાં ઉપરથી મલબો ધસી આવતો હતો. માત્ર એક મિનિટ કરતાં ઓછા સમયમાં મલબો ધસી આવ્યો અને મકાનો તણાયાં, મકાનો પડી ગયાં અને લોકોની ચીસાચીસ થઈ ગઈ. ભયાવહ માહોલ હતો. ભયાનક વેગ સાથે વાવાઝોડું આવ્યું અને ત્રણ-ત્રણ માળનાં બિલ્ડિંગો ઉપાડી લીધાં, મકાનો તણાયાં. અમારી નજર સામે આ ઘટના બની. અમને થયું કે અમે ૧૦૦ ટકા બચી ગયા, નહીંતર એક-બે મિનિટનો મામલો હતો. કુદરતનો આભાર કે અમે બચી ગયા.’
બસમાં સિનિયર સિટિઝનો વધુ હોવાથી આ ઘટનાથી ગભરાઈ ન જાય એટલા માટે બસમાં રહેલા અન્ય લોકોએ તેમને માનસિક સધિયારો આપ્યો હતો એ વિશે વાત કરતાં અરવિંદ બરોલિયાએ કહ્યું હતું કે ‘અમારી બસમાં સિનિયર સિટિઝનો વધુ હતા એટલે આ ઘટનાથી તેમને માનસિક અસર ન થાય એટલા માટે અમારા ગ્રુપના અમદાવાદના અરવિંદભાઈ અને અશોકભાઈ તેમ જ સુરતના મનુભાઈ સહિતની ટીમે બધાને સમજાવ્યા કે આપણે બચી ગયા છીએ, ગભરાવાની જરૂર નથી. અમે બસમાં સત્સંગ શરૂ કરી દીધો, શિવધૂન અને રામધૂન બોલાવી જેથી માહોલ હળવો થાય. અમે બધા ગંગોત્રી પાછા ગયા અને ત્યાં રોકાયા. આ ઘટનાને કારણે ૩ દિવસથી કોઈ સૂતું નથી એમ કહીએ તો ચાલે. જોઈએ એવી ઊંઘ જ નહોતી આવતી. જોકે પ્રશાસન અને આર્મીવાળાઓનો બહુ સારો સહકાર મળ્યો. તેમણે હોટેલવાળાને કહી દીધું કે આ બધા યાત્રીઓ પાસેથી એક રૂપિયો પણ ન લેતા. ગઈ કાલે સાંજ સુધીમાં અમને બાવીસ સિનિયર સિટિઝનોને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરીને ઉત્તરકાશી લઈ ગયા છે.’
પોતાનાં પુત્ર-પુત્રવધૂ સાથે યાત્રાએ નીકળેલા અરવિંદ બરોલિયાએ કહ્યું હતું કે ‘૯ ઑગસ્ટથી અમારા ગ્રુપે બદરીનાથમાં પ્રણાલી આશ્રમમાં સપ્તાહનું આયોજન કર્યું છે અને એના માટે ભાવનગર, અમદાવાદ અને સુરતથી અમે ૧૦૨ જણ અહીં આવ્યા છીએ. હવે જોઈએ આગળ શું થાય છે.’
ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓ ફસાયા, પણ તમામ સુરક્ષિત
ભાવનગર, હારીજ, બનાસકાંઠા, વડોદરા સહિતનાં શહેરો-નગરોમાંથી યાત્રાએ ગયેલા પ્રવાસીઓને પાછા લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે ધરાલીમાં સર્જાયેલી ઘટનામાં ફસાયેલા ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પાછા લાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ બની છે. જોકે આ તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતના હારીજ, બનાસકાંઠાના ભાભર તાલુકાના, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી મળી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચનાના પગલે સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના અધિકારીઓએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પાછા લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ પ્રવાસીઓ સુરિક્ષત છે. જેમને મેડિકલ સારવારની જરૂર પડી છે તેમને મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવી છે.’

