૧૯૩૭માં ‘વન્દે માતરમ્’નો મહત્ત્વપૂર્ણ હિસ્સો પડતો મૂકવામાં આવ્યો અને દેશમાં વિભાજનકારી માનસિકતાનાં બીજ રોપાયાં
ગઈ કાલે ન્યુ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એ ઉપક્રમે ખાસ સ્ટૅમ્પનું લોકાર્પણ કરી રહેલા નરેન્દ્ર મોદી (ડાબે); ગઈ કાલે દિલ્હીના એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય ગીતની સ્મૃતિમાં બહાર પડાયેલા સિક્કાઓનું લોકાર્પણ કરી રહેલાં (ડાબેથી) દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, નરેન્દ્ર મોદી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના.
કૉન્ગ્રેસ પર સ્પષ્ટ હુમલો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ્’નો મહત્ત્વપૂર્ણ હિસ્સો ૧૯૩૭માં ઉડાવી દેવામાં આવ્યો હતો, જેણે દેશમાં ભાગલાનાં બીજ વાવ્યાં હતાં. આવી વિભાજનકારી માનસિકતા હજી પણ દેશ માટે એક પડકાર છે.’

ADVERTISEMENT
બિકાનેરમાં લોકોએ પરંપરાગત વસ્ત્રો અને તિરંગા સાથે ‘વન્દે માતરમ્’ ગીત ગાતાં-ગાતાં રૅલી કાઢી હતી.
રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂરાં થવાના ઉપક્રમે વર્ષભર યોજાનારા સમારોહનું ઉદ્ઘાટન કરતી વખતે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સ્મારક સ્ટૅમ્પ અને સિક્કો બહાર પાડવા યોજાયેલા સમારોહમાં બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘‘વન્દે માતરમ્’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અવાજ બન્યો હતો. એ દરેક ભારતીયની લાગણીઓને વ્યક્ત કરે છે. દુર્ભાગ્યવશ ૧૯૩૭માં ‘વન્દે માતરમ્’ના મહત્ત્વપૂર્ણ શ્લોકો હટાવવામાં આવ્યા હતા અને એના આત્માને દૂર કરવામાં આવ્યો હતો. ‘વન્દે માતરમ્’ના વિભાજનથી પણ ભાગલાનાં બીજ વાવવામાં આવ્યાં હતાં. આજની પેઢીએ જાણવાની જરૂર છે કે રાષ્ટ્રનિર્માણના આ ‘મહામંત્ર’ સાથે આ અન્યાય કેમ કરવામાં આવ્યો. આ વિભાજનકારી માનસિકતા હજી પણ દેશ માટે એક પડકાર છે.’

રાજસ્થાનના જયપુરમાં ગઈ કાલે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો રાષ્ટ્રીય ગીતની ઉજવણી માટે એકઠા થયા હતા. એમાં લોકકલાકારોએ પરંપરાગત વાદ્યો પર ‘વન્દે માતરમ્’ ગીત વગાડ્યું હતું.
‘વન્દે માતરમ્’ દરેક યુગમાં સુસંગત છે એમ નોંધીને વડા પ્રધાને ઑપરેશન સિંદૂરના સંદર્ભમાં ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દુશ્મનોએ આતંકવાદનો ઉપયોગ કરીને આપણી સુરક્ષા અને સન્માન પર હુમલો કરવાની હિંમત કરી ત્યારે દુનિયાએ જોયું કે ભારત દુર્ગાનું સ્વરૂપ કેવી રીતે લેવું એ જાણે છે.
વડા પ્રધાને બીજું શું કહ્યું?

ગઈ કાલે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ‘વન્દે માતરમ્’ ગીતના દરેક શબ્દના અર્થનું નિરૂપણ કરતાં પેઇન્ટિંગ્સની સજાવટ જોઈ રહેલા નરેન્દ્ર મોદી.
દેશ ‘વન્દે માતરમ્’નાં ૧૫૦ વર્ષ ઊજવી રહ્યો છે ત્યારે એ આપણને નવી પ્રેરણા આપે છે અને દેશના લોકોને નવી ઊર્જાથી ભરી દે છે.
‘વન્દે માતરમ્’ એક શબ્દ, એક મંત્ર, એક ઊર્જા, એક સ્વપ્ન, એક સંકલ્પ છે. એ ભારત માતા પ્રત્યેની ભક્તિ છે, ભારત માતાની પૂજા છે. એ આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે અને આપણા ભવિષ્યને નવી હિંમત આપે છે. એવો કોઈ સંકલ્પ નથી જે પ્રાપ્ત ન થઈ શકે, કોઈ પણ લક્ષ્ય નથી જે આપણે ભારતીયો પૂરું ન કરી શકીએ. આપણે એક એવું રાષ્ટ્ર બનાવવું પડશે જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના આધારે ટોચ પર હોય.

સોલાપુરમાં રાષ્ટ્રીય ગીતની ઉજવણી નિમિત્તે કેટલાક લોકોએ માનવસાંકળ બનાવીને ભારતીય નકશાનો આકાર ઊપસાવ્યો હતો અને કેન્દ્રમાં ભારતનો તિરંગો મૂકવામાં આવ્યો હતો.
વર્ષભર ચાલશે ઉજવણી
૨૦૨૫ની ૭ નવેમ્બરથી ૨૦૨૬ની ૭ નવેમ્બર સુધી એક વર્ષ માટે વન્દે માતરમ્ ગીતનાં ૧૫૦ વર્ષની ઉજવણી ચાલશે. આ ગીતે ભારતની સ્વતંત્રતા-ચળવળને પ્રેરણા આપી હતી અને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને જગાવી હતી. આ ગીત બંકિમચંદ્ર ચૅટરજીએ ૧૮૭૫ની ૭ નવેમ્બરે અક્ષયનવમીના અવસરે લખ્યું હતું અને સૌપ્રથમ વાર સાહિત્યિક જર્નલ ‘બંગદર્શન’માં ચૅટરજીની નવલકથા ‘આનંદમઠ’ના ભાગરૂપે પ્રકાશિત થયું હતું.


