Samay Raina Summoned to Supreme Court: મંગળવારે દિવ્યાંગોની મજાક ઉડાવવાના કેસમાં સમય રૈના સુપ્રીમ કોર્ટમાં હાજર થયો હતો. સુપ્રીમ કોર્ટે `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` હોસ્ટ સમય રૈના સહિત પાંચ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સઝર્સને સમન્સ પાઠવ્યા હતા.
સમય રૈના અને સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મંગળવારે દિવ્યાંગોની મજાક ઉડાવવાના કેસમાં સમય રૈના સુપ્રીમ કોર્ટમાં હાજર થયો હતો. સુપ્રીમ કોર્ટે `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` હોસ્ટ સમય રૈના સહિત પાંચ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સઝર્સને સમન્સ પાઠવ્યા હતા. આ બધા પર કૉમેડી શો દરમિયાન સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત લોકો સહિત દિવ્યાંગોની મજાક ઉડાવવાનો આરોપ છે.
ન્યાયાધીશ સૂર્યકાંત અને જ્યોમલ્યા બાગચીની બેન્ચે તમામ પ્રભાવકોને બે અઠવાડિયામાં અરજી પર તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું હતું. સાથે જ ચેતવણી આપી હતી કે તેમને આનાથી વધુ સમય આપવામાં આવશે નહીં.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણીમાં બધા પ્રભાવકોની હાજરી જરૂરી છે અને પાલન ન કરવા પર ગંભીરતાથી લેવામાં આવશે. તે જ સમયે, પ્રભાવક સોનાલી ઠક્કરને શારીરિક સ્થિતિને કારણે આગામી સુનાવણીમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
બેન્ચે અટર્ની જનરલ આર. વેંકટરામણીને સોશિયલ મીડિયા માટે માર્ગદર્શિકા પર કામ કરવાનો આદેશ આપ્યો હતો જે ફ્રીડમ ઑફ સ્પીચ અને અન્ય લોકોના અધિકારો અને ગૌરવ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા મૂળભૂત છે, પરંતુ તે અન્યના અધિકારોનું ઉલ્લંઘન કરવાની કિંમતે આવી શકે નહીં. કોર્ટે આવા માર્ગદર્શિકાના અમલીકરણના પડકાર તરફ પણ ધ્યાન દોર્યું હતું.
શું છે આખો મામલો?
`ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` શોમાં માતા-પિતા પર અશ્લીલ કોન્ટેન્ટના આરોપોનો સામનો કરી રહેલા રૈના પર આરોપ છે કે તેણે તેના શોમાં એક દુર્લભ રોગથી પીડિત બાળક પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ આરોપો ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે.
ફાઉન્ડેશને કોર્ટને જણાવ્યું હતું કે સમય રૈનાએ `ધેટ કૉમેડી ક્લબ`માં પોતાના સ્ટેન્ડઅપમાં કહ્યું હતું- `જુઓ, ચેરિટી એક સારી વસ્તુ છે, તે થવી જોઈએ. હું એક ચેરિટી જોઈ રહ્યો હતો જેમાં બે મહિનાનો એક બાળક છે જેની સાથે કંઈક ક્રેઝી થયું છે. તેની સારવાર માટે, તેને 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.`
સમયે શોમાં બેઠેલી એક મહિલાને પ્રશ્ન પૂછ્યો હતો - `મેડમ, તમે મને કહો... જો તમે તેની માતા હોત અને તમારા બૅન્ક ખાતામાં 16 કરોડ રૂપિયા હોત, તો તમે તમારા પતિ તરફ એક વાર જોઈને કહેત કે મોંઘવારી વધી રહી છે, કારણ કે કોઈ ગેરંટી નથી કે બાળક તે ઇન્જેક્શન પછી પણ બચી જશે. તે મરી પણ શકે છે. કલ્પના કરો કે તે ઇન્જેક્શન પછી મૃત્યુ પામ્યો. તેનાથી પણ ખરાબ, કલ્પના કરો કે બાળક 16 કરોડના ઇન્જેક્શન પછી બચી ગયું, અને પછી મોટો થયા પછી તેણે કહ્યું કે તે હવે કવિ બનવા માગે છે.`
ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે આવા કોન્ટેન્ટને ખલેલ પહોંચાડનારી ગણાવી હતી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, `અમે આ આરોપોથી ખરેખર પરેશાન છીએ, અમે આવા કેસ રેકોર્ડ પર રાખીએ છીએ.`

