આ બધી જગ્યાએથી કૂતરાઓને પકડીને તેમનું ખસીકરણ અને રસીકરણ કરવાનું, પણ પાછા તેમને ત્યાં જ નહીં છોડવાના એમ પણ કહ્યું સર્વોચ્ચ અદાલતે
ગઈ કાલે સુપ્રીમ કોર્ટના પરિસરમાં આરામ ફરમાવતો શ્વાન
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો હતો કે સ્કૂલો, હૉસ્પિટલો, સ્પોર્ટ્્સ કૉમ્પ્લેક્સ, બસડેપો અને રેલવે-સ્ટેશનોમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવામાં આવે તથા નસબંધી પછી આવા કૂતરાઓને એ જ સ્થળોએ પાછા છોડવામાં ન આવે. કોર્ટે કહ્યું હતું કે એમને પાછા ફરવાની મંજૂરી આપવાથી આવા પરિસરને સુરક્ષિત રાખવાનો અને જાહેર સલામતીની ચિંતાઓને સંબોધવાનો ઉદ્દેશ જ નિષ્ફળ જશે.
રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ પર કોર્ટે સામે ચાલીને નોંધ લઈને ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની બેન્ચે આદેશ આપ્યો હતો કે હાલમાં આ પરિસરમાં રહેલા બધા રખડતા કૂતરાઓને પકડી લેવા, નસબંધી કરવી અને રસી આપવી જોઈએ.
ADVERTISEMENT
ન્યાયાધીશ મહેતાએ આદેશનો કાર્યકારી ભાગ વાંચતાં કહ્યું હતું કે એમને એ જ વિસ્તારમાં પાછા છોડવામાં ન આવે, કારણ કે એમને પાછા છોડવાથી કોર્ટના નિર્દેશનો હેતુ જ નિષ્ફળ જશે. વિગતવાર ચુકાદો ટૂંક સમયમાં અપેક્ષિત છે. કોર્ટે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને અન્ય રોડ-માલિકી એજન્સીઓને રાષ્ટ્રીય અને રાજ્યના ધોરી માર્ગો પરથી રખડતાં ઢોર અને પ્રાણીઓને દૂર કરવાની અને એમને આશ્રયસ્થાનોમાં રાખવાની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટના આદેશની પાંચ મુખ્ય બાબતો
૧. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે અઠવાડિયાંની અંદર જ્યાં કૂતરા ફરતા જોવા મળતા હોય એ તમામ સરકારી અને ખાનગી સ્કૂલો, કૉલેજો, તબીબી સંસ્થાઓ, જાહેર પરિવહન કેન્દ્રો અને રમતગમત સુવિધાઓને લોકેટ કરીને ત્યાં કૂતરાઓની એન્ટ્રી રોકવા માટે જરૂરી વાડ લગાવવી. ૮ અઠવાડિયાંની અંદર ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો કે એની ફરતે બાઉન્ડરી-વૉલ બનાવીને આવા વિસ્તારો સુરક્ષિત કરવા જોઈએ, જેથી રખડતા કૂતરાઓનો પ્રવેશ અટકાવી શકાય.
૨. દરેક પરિસરની જાળવણી અને વાડની દેખરેખ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવી. સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓ કે પંચાયતોએ ૩ મહિનામાં એક વાર કૅમ્પસનું નિરીક્ષણ કરીને કોર્ટને રિપોર્ટ આપવો.
૩. પકડાયેલા કૂતરાઓને એ જ જગ્યાએ ફરીથી ન છોડવા જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા.
૪. તમામ નૅશનલ હાઇવે પર રખડુ પશુઓ ફરે છે એની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર લગાવવા.
૫. તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓએ આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવું અને ત્રણ વીકની અંદર સ્ટેટસ રિપોર્ટનું એફિડેવિટ રજૂ કરવું.
ચુકાદો સાંભળીને રડી પડ્યાં અરજદાર વકીલ

સુપ્રીમ કોર્ટનો ચુકાદો સાંભળીને અરજદાર અને વકીલ નનિતા શર્મા ભાવુક થઈને રડી પડ્યાં હતાં, તેમણે કહ્યું હતું કે ‘આટલોબધો કઠોર આદેશ આપવામાં આવ્યો છે. એ પછી પણ હું ભગવાનના ન્યાયમાં વિશ્વાસ રાખું છું. એ મૂંગાં પ્રાણીઓ સાથે અન્યાય નહીં કરે.’


