IPL 2025ની પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાના ૧૭૫ રનના ટાર્ગેટને ૧૬.૨ ઓવરમાં ચેઝ કરીને બૅન્ગલોરે સાત વિકેટે જીત નોંધાવી : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સતત ચાર મૅચ હાર્યા બાદ પહેલી જીત નોંધાવી બૅન્ગલોરે, ઈડન ગાર્ડન્સમાં પણ બે સીઝન બાદ મૅચ જીતી
વિરાટ કોહલી
૧૭ વર્ષ બાદ IPL સીઝનની શરૂઆત રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ઓપનિંગ મૅચથી થઈ હતી. ૨૦૦૮માં IPL ઇતિહાસની પહેલી મૅચ રમનાર આ બન્ને ટીમોએ ૧૮મી સીઝનની પણ ધમાકેદાર શરૂઆત કરાવી હતી. કલકત્તાની ટીમે કૅપ્ટન અજિંક્ય રહાણેની પચીસ બૉલમાં ફિફ્ટીની મદદથી આઠ વિકેટ ગુમાવીને ૧૭૪ રન બનાવ્યા હતા. બૅન્ગલોરે નવી ઓપનિંગ જોડી ફિલ સૉલ્ટ અને વિરાટ કોહલીની ૯૫ રનની ધમાકેદાર પાર્ટનરશિપની મદદથી ૧૬.૨ ઓવરમાં ૧૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો હતો. સાત વિકેટથી મળેલી જીત સાથે બૅન્ગલોરે છેલ્લી બે સીઝનમાં કલકત્તા સામે અને ઈડન ગાર્ડન્સમાં મૅચ ન જીતવાનો સિલસિલો તોડ્યો હતો.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી કલકત્તાની ટીમે કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૧ બૉલમાં ૫૬ રન) અને સુનીલ નારાયણ (૨૬ બૉલમાં ૪૪ રન)ની બીજી વિકેટ માટેની પંચાવન બૉલમાં ૧૦૩ રનની પાર્ટનરશિપની મદદથી ૧૦ ઓવરમાં ૧૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. આ સીઝનના સૌથી સસ્તા કૅપ્ટન રહાણેએ છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ધમાકેદાર ઇનિંગ્સ રમીને IPL 2025ની પહેલી ફિફ્ટી સાથે પહેલી સિક્સર પણ પોતાને નામે કરી છે, પરંતુ બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યા (૨૯ રનમાં ત્રણ વિકેટ) અને ફાસ્ટ બોલર જોસ હેઝલવુડ (બાવીસ રનમાં બે
વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે કલકત્તાની ટીમ સમયાંતરે વિકેટ ગુમાવીને ૨૦૦ રનનો આંકડો પાર કરી શકી નહોતી.
ADVERTISEMENT
બૅન્ગલોરની નવી ઓપનિંગ જોડી ફિલ સૉલ્ટ (૩૧ બૉલમાં ૫૬ રન) અને વિરાટ કોહલી (૩૬ બૉલમાં ૫૯ રન)એ ૫૧ બૉલમાં ૯૫ રનની પાર્ટનરશિપ કરીને બૅન્ગલોરને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બન્નેની આ પાર્ટનરશિપની મદદથી બૅન્ગલોર પાવરપ્લેમાં એક પણ વિકેટ ન ગુમાવવાના કિસ્સામાં પોતાનો ૮૦ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. ઇમ્પૅક્ટ પ્લેયર દેવદત્ત પડિક્કલ (૧૦ બૉલમાં ૧૦ રન)ની વિકેટ બાદ વિરાટ કોહલીએ કૅપ્ટન રજત પાટીદાર (૧૬ બૉલમાં ૩૪ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૨૩ બૉલમાં ૪૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમની બાજી સંભાળી લીધી હતી. ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૫૯ રન કરનાર કોહલીએ મહેફિલ લૂંટી લીધી હતી.
1000
આટલા રન ચેન્નઈ, દિલ્હી, પંજાબ બાદ કલક્તા સામે પણ ફટકાર્યા વિરાટ કોહલીએ, સૌથી વધુ ૧૦૦૦ પ્લસ રનનો રેકૉર્ડ જાળવી રાખ્યો.
3
આટલી IPL ટીમની કૅપ્ટન્સી કરનાર પહેલો ભારતીય બન્યો અજિંક્ય રહાણે, આ પહેલાં રાજસ્થાન અને પુણેનો પણ કૅપ્ટન રહ્યો હતો.
400
આટલી T20 મૅચ રમનાર રોહિત શર્મા (૪૪૮) અને દિનેશ કાર્તિક (૪૧૨) બાદ ત્રીજો ભારતીય બૅટર બન્યો વિરાટ કોહલી.

