એ સર્કિટ, તૂ કોહલી કા વિકેટ ક્યોં લિયા રે
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર અર્શદ ખાન સાથે વિરાટ કોહલી.
બુધવારે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુનો સ્ટાર બૅટર વિરાટ કોહલી છ બોલમાં સાત રનના સ્કોર પર કૅચ આઉટ થયો હતો. મધ્ય પ્રદેશના ૨૭ વર્ષના ફાસ્ટ બોલર અર્શદ ખાને પોતાની ત્રીજી અને નવી ફ્રૅન્ચાઇઝી ગુજરાત માટે આ પહેલી વિકેટ ઝડપી હતી. મુંબઈ અને લખનઉની ફ્રૅન્ચાઇઝી માટે રમનાર અર્શદની આ ૧૨મી IPL મૅચ હતી.
IPLમાં જ્યારે કોઈ નવો બોલર મહેન્દ્ર સિંહ ધોની કે વિરાટ કોહલી જેવા લોકપ્રિય ક્રિકેટરની વિકેટ લે છે ત્યારે ટ્રોલિંગનો શિકાર બને છે, પણ અર્શદ ખાનના કિસ્સામાં બૉલીવુડ ઍક્ટર અર્શદ વારસી ટ્રોલિંગનો ભોગ બન્યો હતો. વિરાટ કોહલીના કેટલાક ક્રેઝી ફૅન્સે અર્શદ વારસીની ઇન્ટાગ્રામ પોસ્ટ નીચે કમેન્ટમાં વિરાટ કોહલીને આઉટ કરવા બદલ ટ્રોલ કર્યો હતો. એક ફૅને રમૂજ કરતાં કમેન્ટ કરી કે ‘એ સર્કિટ, તૂ કોહલી કા વિકેટ ક્યોં લિયા રે.’ લોકપ્રિય ફિલ્મ મુન્નાભાઈમાં સર્કિટનું પાત્ર ભજવનાર આ ઍક્ટર ક્રિકેટ-ફૅન્સની આ હરકતને કારણે હાલમાં ભારે ચર્ચામાં છે.

