સાઉથ આફ્રિકાને પાકિસ્તાન સામે જ મળી છે એકમાત્ર હાર
પાકિસ્તાનનો કૅપ્ટન મોહમ્મદ હાફિઝ અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એ.બી. ડિવિલિયર્સ
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની બીજી સીઝનની ફાઇનલ મૅચ આજે ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમના એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચેની આ ટક્કર ભારતીય સમય અનુસાર રાતે નવ વાગ્યાથી ફેનકોડ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે સેમી ફાઇનલ મૅચ રમવાની ના પાડતાં પાકિસ્તાન સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકન ટીમ ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે એક રને રોમાંચક જીત મેળવીને પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાન વર્તમાન સિરીઝમાં અજેય રહીને નંબર-વન ટીમ રહી છે, જ્યારે સાઉથ આફ્રિકા વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જ એક મૅચ હાર્યું છે.
ADVERTISEMENT
સેમી ફાઇનલમાં જ્યારે અંતિમ બૉલમાં ઑસ્ટ્રેલિયાને ૧૮૭ રનના ટાર્ગેટને ચેઝ કરવા બે રનની જરૂર હતી ત્યારે કૅપ્ટન એબી ડિવિલિયર્સના જબરદસ્ત થ્રોને કારણે કાંગારૂ ટીમની સાતમી વિકેટ પડી અને તેઓ જરૂરી રન બનાવી શક્યા નહીં. વર્તમાન સિરીઝમાં સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ડિવિલિયર્સ બે સેન્ચુરી અને એક ફિફ્ટીની સાથે હાઇએસ્ટ ૩૧૧ રન ફટકારી ચૂક્યો છે.

