સુશાંત સિંહના અપમૃત્યુ બાદ તેની મિત્ર રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન અને ડૉક્ટરને એ માટે જવાબદાર ઠેરવી તેમની સામે ફરિયાદ કરી હતી
સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી
બૉલીવુડના ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરતાં એસ્પ્લેનેડ કોર્ટે સુશાંતની મિત્ર અને બૉલીવુડ ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તીને આ બાબતે તેનો જવાબ નોંધાવવા કહ્યું હતું. એ પછી કોર્ટ નક્કી કરશે કે એ ક્લોઝર રિપોર્ટ માન્ય કરવો કે પછી કેસમાં એજન્સીને વધુ તપાસનો આદેશ આપવો.
સુશાંત સિંહના અપમૃત્યુ બાદ તેની મિત્ર રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન અને ડૉક્ટરને એ માટે જવાબદાર ઠેરવી તેમની સામે ફરિયાદ કરી હતી. એ કેસ પહેલાં બાંદરા મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલ્યો હતો. ત્યાર બાદ કેસને એસ્પ્લેનેડ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એસ્પ્લેનેડ કોર્ટમાં CBIના કેસની સુનાવણી થતી હોય છે. CBIએ તપાસ કરીને રિયાનું સ્ટેટમેન્ટ અને સુશાંતના અન્ય ક્લોઝ મિત્રોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં. સાથે જ તેમણે સુશાંતના મેડિકલ રિપોર્ટ પણ મેળવ્યા હતા. રિયાને આપવામાં આવેલી નોટિસ કાનૂની પ્રક્રિયાનો ભાગ છે જે ફરિયાદીને તપાસ-એજન્સીના કેસ બંધ કરવાના નિર્ણય પર વાંધો ઉઠાવવાની તક આપે છે. રિયા ચક્રવર્તીએ આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની બહેનો - પ્રિયંકા સિંહ અને મીતુ સિંહ તેમ જ ડૉ. તરુણ નાથુરામ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે બહેનોએ યોગ્ય તબીબી દેખરેખ વિના સુશાંત સિંહ રાજપૂત માટે દવાઓની ખરીદી કરી હતી.
ADVERTISEMENT
રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે સુશાંતને બાઇપોલર ડિસઑર્ડર હોવાનું નિદાન થયું હતું પણ તે નિયમિત દવાઓ નહોતો લેતો. રિયાએ ફરિયાદમાં ચિંતા વ્યક્ત કરી હતી કે સુશાંતની બહેને સુશાંતને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવા છતાં ટેક્સ્ટ મેસેજ દ્વારા તેના માટેની દવાઓ અટકાવી દીધી હતી. રિયા ચક્રવર્તી દ્વારા નોંધાવવામાં આવેલા FIRમાં ભારતીય દંડ સંહિતા અને નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટની કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

