ભારતમાં પેટ્રોલનો ભાવ ૧૦૧ રૂપિયા પ્રતિ લીટર છે : ભૂતાન આપણી પાસેથી ખરીદીને ૫૮.૮૦ રૂપિયે લીટર વેચે છે
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવમાં સતત અસ્થિરતા વચ્ચે ભારતમાં પેટ્રોલના ભાવ હાલમાં પ્રતિ લીટર ૧૦૧ રૂપિયા છે, પણ ઘણા પાડોશી દેશો આના કરતાં ઓછા ભાવે પેટ્રોલ વેચી રહ્યા છે. અમેરિકા અને પાકિસ્તાન કરતાં ભારતીયો પેટ્રોલ માટે પ્રતિ લીટર ૨૧ રૂપિયા વધુ ચૂકવી રહ્યા છે. અમેરિકામાં ૭૯.૪૦ રૂપિયા, પાકિસ્તાનમાં ૮૦.૪૦ રૂપિયા, બંગલાદેશમાં ૮૫ રૂપિયા અને ચીનમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ ૯૪.૫૦ રૂપિયા છે.
ક્રૂડ તેલની નિકાસ કરતા લિબિયા અને ઈરાનમાં પ્રતિ લીટર ભાવ ૨.૫૦ રૂપિયા કરતાં ઓછો છે. ભારત પાસેથી પેટ્રોલ ખરીદીને પોતાના દેશમાં વેચતા ભુતાનમાં પેટ્રોલનો ભાવ ૫૮.૮૦ રૂપિયા છે. આના પગલે લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે આપણી પાસેથી ખરીદી કરીને પણ ભુતાન શા માટે આટલો ઓછો ભાવ રાખે છે?
ADVERTISEMENT
ભારતમાં ભાવ આટલા ઊંચા કેમ છે?
ભારતમાં ભાવમાં નોંધપાત્ર તફાવત મુખ્યત્વે ઊંચા ટૅક્સને કારણે છે. આ ટૅક્સમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, સ્ટેટ વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) / સેલ્સ ટૅક્સ અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે. આ વિવિધ ટૅક્સ એ પણ સુનિશ્ચિત કરે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઓછા હોય ત્યારે પણ ફ્યુઅલના દરમાં ભારે ઘટાડો થાય નહીં. ભારતમાં ડાયનૅમિક ફ્યુઅલ પ્રાઇસિંગ સિસ્ટમ છે જ્યાં દરરોજ ભાવમાં વધઘટ થાય છે. આમ સરકારી નિયંત્રણ ખૂબ જ ઓછું હોય છે. આનો હેતુ ભાવમાં ઘટાડાને કારણે થતા કોઈ પણ લાભને ગ્રાહકને ટ્રાન્સફર કરવાનો છે. ત્યાર બાદ સરકાર દ્વારા બેઝ-પ્રાઇસ પર કર લાદવામાં આવે છે.
આ સિસ્ટમ કરન્સી એક્સચેન્જ દરોથી પણ પ્રભાવિત થાય છે, જે ક્રૂડ ઑઇલની આયાતનો ખર્ચ વધારી શકે છે. ભારત એના ક્રૂડ ઑઇલનો લગભગ ૯૦ ટકા હિસ્સો વિવિધ દેશોમાંથી આયાત કરે છે. અમેરિકા એના ક્રૂડ ઑઇલની જરૂરિયાતનો લગભગ ૪૦ ટકા હિસ્સો આયાત કરે છે, જ્યારે બાકીનો હિસ્સો સ્થાનિક ઉત્પાદનમાંથી આવે છે.

