મતચોરીના આરોપો સામે ઇલેક્શન કમિશને છાતી ઠોકીને કહ્યું કે અમારા માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમાન છે
બિહારમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ મતદાર અધિકાર યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રામાં પહેલા દિવસે લાલુ પ્રસાદ યાદવ, મલ્લિકાર્જુન ખડગે અને તેજસ્વી યાદવ જોડાયા હતા.
બિહારમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મુદ્દે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો મતચોરીના આરોપો લગાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે ચૂંટણીપંચે એક પ્રેસ-કૉન્ફરન્સમાં SIRની પ્રક્રિયા અને મતચોરીના આરોપો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા મતચોરીના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘અમારા માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી, પરંતુ બધા સમાન છે. ચૂંટણી-કમિશનરના દરવાજા બધા માટે ખુલ્લા છે. બૂથલેવલના અધિકારીઓ અને એજન્ટો પારદર્શક રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે.’
ચૂંટણીપંચે તાજેતરમાં એક જ મતદાર ઓળખ કાર્ડ નંબર ધરાવતા અનેક મતદારોના ત્રણ લાખથી વધુ કિસ્સાઓ સુધાર્યા છે. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને જિલ્લાસ્તરના ચૂંટણી અધિકારીઓની વેબસાઇટ પર નામ-વિગતો શોધી શકાય એવી મતદારયાદી ઉપલબ્ધ કરાવી છે.
ADVERTISEMENT
મતદારયાદીમાં ૨૮,૩૭૦ વાંધા-દાવા
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘બિહારમાં ડ્રાફ્ટ મતદારયાદી પર ૨૮,૩૭૦ વ્યક્તિઓએ દાવા અને વાંધા રજૂ કર્યા છે, પણ એક પણ રાજકીય પક્ષે હજી સુધી કોઈ દાવો રજૂ નથી કર્યો.’ બિહારમાં ડ્રાફ્ટ મતદારયાદી પર દાવા અને વાંધા રજૂ કરવા તમામ રાજકીય પક્ષોને ચૂંટણી કમિશનરે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હજી ૧૫ દિવસ બાકી છે. બિહારમાં SIR પર કેટલાક પક્ષો અને તેમના નેતાઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે એ ગંભીર ચિંતાનો વિષય છે.’
બંધારણનું અપમાન
ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ‘ચૂંટણીઅરજી દાખલ કર્યા વગર મતચોરીના આરોપો મુકાય તો એ ભારતીય બંધારણનું અપમાન છે. મતદાનની બધી યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય અને કોઈ ચૂંટણીઅરજી દાખલ ન કરવામાં આવી હોય ત્યારે મતચોરીના આરોપો શા માટે ઊભા કરવા જોઈએ? મતદાનમાં કંઈ પણ વાંધા હોય તો ૪૫ દિવસમાં તમે અરજી કરી શકો છો.’
મતદારોની ગોપનીયતાનો ભંગ થઈ શકે
મતદારોની ઓળખ જાહેર કરવાના મુદ્દે જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં જ કહ્યું હતું કે મશીન રીડેબલ મતદારયાદીઓ શૅર કરવાથી મતદારોની ગોપનીયતાનો ભંગ થઈ શકે છે. થોડા દિવસ પહેલાં ઘણા મતદારોના ફોટો તેમની પરવાનગી વિના જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીપંચ મતદારોના ફોટો જાહેર કરે તો એ મતદારોની ગોપનીયતાનું ઉલ્લંઘન છે.’
મતચોરી કેવી રીતે થઈ શકે?
મતચોરીના આરોપો પર જવાબ આપતાં જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘ચૂંટણીપ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારીઓ રોકાયેલા છે. શું આવી પારદર્શક પ્રક્રિયામાં મતચોરી થઈ શકે છે? ડબલ વોટિંગ અને વોટચોરીના પાયાવિહોણા આરોપોથી ચૂંટણીપંચ કે મતદાતાઓ ડર્યા નથી.’
દેશમાં ૧૦ SIR થઈ ચૂક્યાં છે
SIRના મુદ્દે બોલતાં જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ‘મતદારયાદીઓના શુદ્ધીકરણ માટે અત્યાર સુધીમાં દેશમાં ૧૦થી વધુ SIR યોજાઈ ચૂક્યાં છે. જાણીજોઈને અથવા અજાણતાં કેટલાક લોકો પાસે સ્થળાંતર અને અન્ય સમસ્યાઓને કારણે બહુવિધ મતદાર કાર્ડ હતાં. એ બાબતને સુધારવા માટે SIR યોજાયાં હતાં. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં મતદારયાદીઓનું SIR યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.’
રાહુલ ગાંધીના આરોપો પર શું કહ્યું ચૂંટણી-કમિશનરે?
રાહુલ ગાંધીને શપથ સાથે સોગંદનામું આપવાનું કહેવામાં આવ્યું છે. આ મુદ્દે બોલતાં જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ એ મતવિસ્તારની મતદાર ન હોય અને તે ફરિયાદ નોંધાવવા માગે છે તો એ ફક્ત શપથ હેઠળ સાક્ષી તરીકે જ કરી શકાય છે. જો ૭ દિવસની અંદર શપથ હેઠળ કોઈ ઘોષણા કરવામાં ન આવે તો દાવાઓ પાયાવિહોણા અને અમાન્ય ગણવામાં આવશે. ૧૦૦ કરોડ મતદારોની યાદીને લગતા કોઈ સવાલો પૂછવામાં આવે તો એને સાંભળવા અને સમજવા માટે લોકો સક્ષમ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે ડ્રાફ્ટ-યાદીઓથી નારાજ લોકો આધારનો ઉપયોગ કરીને તેમનાં ફૉર્મ સબમિટ કરી શકે છે. ચૂંટણીપંચ આ નિયમનું પાલન કરી રહ્યું છે.’
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારે બીજું શું કહ્યું?
વોટચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગુમરાહ કરવાનો અસફળ પ્રયાસ કરવામાં આવે તો એ ભારતના બંધારણનું અપમાન નહીં તો શું છે?
ચૂંટણીપંચના ખભા પર બંદૂક રાખીને અને મતદાતાઓને નિશાન બનાવવાની રાજનીતિ કરવામાં આવી રહી છે તેથી ચૂંટણીપંચ એ સ્પષ્ટ કરવા માગે છે કે ચૂંટણીપંચ નીડરતાથી તમામ મતદાતાઓની સાથે કોઈ
પણ ભેદભાવ વિના અડગ ઊભું છે અને ભવિષ્યમાં પણ રહેશે.
કેટલાક મતદાતાઓ દ્વારા બે વાર મતદાન કરવાના આરોપ લગાવવામાં આવ્યા, પણ પુરાવા માગવામાં આવ્યા ત્યારે જવાબ મળ્યો નહોતો. એવા ખોટા આરોપોથી ચૂંટણીપંચ કે મતદાતા ડરતો નથી.
લોકસભાની ચૂંટણીમાં એક કરોડથી વધારે કર્મચારીઓ, ૧૦ લાખ બૂથ-લેવલ એજન્ટ, ૨૦ લાખથી વધારે ઉમેદવારોના પોલિંગ એજન્ટ કાર્યરત હતા. આટલી મોટી પારદર્શક પ્રક્રિયામાં કોઈ મતદાતા વોટચોરી કેવી રીતે કરી શકે?
ઘણા મતદારોના ફોટોગ્રાફ તેમની પરવાનગી વિના મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યા, તેમના પર આરોપ લગાવવામાં આવ્યા, તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મતદાતાની પ્રાઇવસીનો ભંગ છે.
ચૂંટણી જીતવા રાહુલ ફરી રસ્તે ઊતર્યા
વોટચોરીના મુદ્દે રાહુલ ગાંધી ૧૬ દિવસની ૧૩૦૦ કિલોમીટરની પદયાત્રા પર, મલ્લિકાર્જુન ખડગે-લાલુ-તેજસ્વી પણ જોડાયા
કૉન્ગ્રેસને મળેલી જીતોમાં પદયાત્રાઓનો ફાળો જોઈને હવે બિહાર વિધાનસભા ઇલેક્શન પહેલાં કૉન્ગ્રેસની મતદાર અધિકાર યાત્રા
બિહારમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે મતદારયાદીઓમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં મતદાર અધિકાર યાત્રા શરૂ કરી છે. આ યાત્રા ૧૬ દિવસમાં ૧૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ જિલ્લાઓમાંથી પસાર થશે. પહેલી સપ્ટેમ્બરે પટનાના ગાંધી મેદાન ખાતે રૅલી સાથે યાત્રાનું સમાપન થશે.
તેજસ્વીએ આ યાત્રા માટે એક પ્રચારગીત પણ રજૂ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ SIRને મુદ્દો બનાવીને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. CPI-MLના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષોના મોટા નેતાઓ આ યાત્રામાં ભાગ લેશે.
૧૬ દિવસની આ યાત્રામાં ૨૦, ૨૫ અને ૩૧ ઑગસ્ટ એમ ત્રણ દિવસનો વિરામ છે. રાહુલ આ ત્રણ તારીખે બિહારની બહાર રહેશે. તેઓ કદાચ યાત્રાના બાકીના દિવસો બિહારમાં જ રહેશે. તેઓ લગભગ ૧૩ દિવસ બિહારમાં જ રહેવાના છે. બિહારના રાજકારણમાં રાહુલ આટલા દિવસો સુધી સતત રાજ્યમાં રહેવાના હોય એવી આ પહેલી ઘટના બની રહેશે.
રાહુલ ગાંધી, તમે નીતીશ કુમારનો આભાર માનો : અશોક ચૌધરી
બિહાર સરકારના પ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ)ના નેતા અશોક ચૌધરીએ રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ નીતીશ કુમારનો આભાર માનવો જોઈએ, કારણ કે જે રસ્તાઓ એક સમયે ખૂબ જ ખરાબ હાલતમાં હતા એ હવે એટલા સરળ બની ગયા છે કે એના પરથી યાત્રાઓ નીકળી શકે છે. નીતીશ કુમારના રસ્તાઓને કારણે આટલી મોટી યાત્રા શક્ય બની છે.’

