કર્ણાટકના ચૂંટણીપંચની ગેરરીતિઓ ખુલ્લી પાડીને બૅન્ગલોરમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ-પ્રદર્શન કરશે
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
રાહુલ ગાંધી : અમારી પાસે ઇલેક્શન કમિશન વિરુદ્ધ જે પુરાવા છે એ ઍટમ બૉમ્બ છે, ફૂટશે તો અધિકારીઓને છુપાવા માટે કોઈ જગ્યા નહીં રહે.
ઇલેક્શન કમિશનઃ અમારા અધિકારીઓને ધમકાવો નહીં. પુરાવા લઈને બોલાવ્યા ત્યારે તમે હાજર ન થયા, ઈ-મેઇલ કે પત્રનો જવાબ નથી આપ્યો. આવા પાયાવિહોણા આરોપો રોજ થાય છે. એને અવગણીને અમે પારદર્શી રીતે કાર્ય કરવા પ્રતિબદ્ધ છીએ
ADVERTISEMENT
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ચૂંટણીપંચ નિરંતર ભારતીય જનતા પાર્ટી (BJP) માટે વોટ-ચોરી કરી રહ્યું છે એને સાબિત કરવા માટે પુરાવાઓનો ઍટમ બૉમ્બ કૉન્ગ્રેસ પાર્ટી પાસે છે, જ્યારે એ ફૂટશે ત્યારે ચૂંટણીપંચ પાસે દેશમાં ક્યાંય છુપાવા માટે કોઈ જગ્યા રહેશે નહીં. જોકે ચૂંટણીપંચે પણ સામે ખુલાસો કરીને તેમના આરોપોને ફગાવી દીધા હતા અને પોતાના અધિકારીઓ માટે ધમકીની ભાષા વાપરવા બદલ ચેતવ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી પહેલાં મહિનાભર ચાલેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત પૂર્ણ થયા પછી ચૂંટણીપંચે બિહાર માટે ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત કરી એ જ દિવસે રાહુલ ગાંધીની આ ટિપ્પણી આવી હતી.
વિપક્ષ સંસદનાં બન્ને ગૃહોમાં SIR સામે વિરોધ કરી રહ્યો છે અને આરોપ લગાવી રહ્યો છે કે ચૂંટણીપંચની કવાયત વિધાનસભાની ચૂંટણી પહેલાં બિહારમાં મતદારોને મતાધિકારથી વંચિત રાખવા માટે છે. તેઓ બન્ને ગૃહોમાં આ મુદ્દા પર ચર્ચાની માગણી કરી રહ્યા છે.
કૉન્ગ્રેસે ગુરુવારે કહ્યું હતું કે એ કર્ણાટકના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીઓમાં થયેલા ભયંકર ગોટાળાનો પર્દાફાશ પાંચમી ઑગસ્ટે કરશે. કૉન્ગ્રેસ પાર્ટીએ આ ગોટાળા સામે બૅન્ગલોરમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશાળ વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું છે.
રાહુલ ગાંધીનો પ્રહાર
વોટ-ચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘વોટ-ચોરી થઈ રહી છે અને હવે અમારી પાસે ઓપન એન્ડ શટ પ્રકારના પુરાવા છે કે ચૂંટણીપંચ વોટ-ચોરીમાં સામેલ છે. હું આ વાત હળવાશથી નથી કહી રહ્યો. હું આ ૧૦૦ ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે એને રિલીઝ કરતાંની સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણીપંચ વોટ-ચોરીમાં સામેલ છે. એ BJP માટે આ કરી રહ્યું છે. ૨૦૨૩ની મધ્ય પ્રદેશ ચૂંટણીમાં, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ૨૦૨૪માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ ચૂંટણી કમિશને વોટ-ચોરી કરી છે. અમે અમારી પોતાની તપાસ કરાવી છે. એમાં ૬ મહિના લાગ્યા અને અમને જે મળ્યું છે એ એક ઍટમ બૉમ્બ છે. જ્યારે એ ફૂટશે ત્યારે ચૂંટણીપંચ પાસે દેશમાં ક્યાંય છુપાવા માટે કોઈ જગ્યા નહીં રહે.’
ઇલેક્શન કમિશનનો જવાબ
રાહુલ ગાંધીના ગંભીર આરોપો સામે જવાબ આપતાં ઇલેક્શન કમિશને કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા અમારા અધિકારીઓને ધમકાવી રહ્યા છે. ૨૦૨૫ની ૧૨ જૂને અમે તેમને પુરાવા લઈને આવવા કહ્યું હતું પણ તેઓ હાજર જ નથી થયા. અમે ઈ-મેઇલ અને પત્ર મોકલેલાં છે, એનો પણ કોઈ જવાબ નથી આપ્યો. તેમના આરોપો પાયાવિહોણા અને બેજવાબદાર છે, એને અવગણીને નિષ્પક્ષ તથા પારદર્શી રીતે પોતાનું કાર્ય કરવાની અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે. નેતા વિપક્ષની આવી ભાષા વાપરી અમારા અધિકારીઓને ધમકાવી રહ્યા છે.’

